શુક્રવાર, નવેમ્બર ૧૪
“તમારો શણગાર બહારનો ન હોય.”—૧ પિત. ૩:૩.
જો વાજબી હોઈશું, તો બીજાઓના વિચારો અને નિર્ણયોને માન આપી શકીશું. દાખલા તરીકે, આપણી અમુક બહેનોને મેકઅપ કરવું ગમે છે, તો અમુકને નથી ગમતું. અમુક ભાઈ-બહેનો પોતાની હદમાં રહીને દારૂ પીએ છે, તો બીજાઓ એને હાથ પણ લગાડતા નથી. આપણે બધા જ ચાહીએ છીએ કે આપણી તબિયત સારી રહે. પણ સારવારની વાત આવે ત્યારે બધાના વિચારો અલગ હોય શકે છે. જો એવું માનીશું કે આપણે જ સાચા છીએ અને પોતાના વિચારો બીજાઓ પર થોપવાની કોશિશ કરીશું, તો કોઈને ઠોકર લાગી શકે છે અને મંડળમાં ભાગલા પડી શકે છે. (૧ કોરીં. ૮:૯; ૧૦:૨૩, ૨૪) દાખલા તરીકે, આપણે કેવાં કપડાં પહેરવાં જોઈએ એ વિશે યહોવાએ કડક નિયમો આપ્યા નથી. એના બદલે તેમણે સિદ્ધાંતો આપ્યા છે, જેની મદદથી આપણે સારા નિર્ણયો લઈ શકીએ છીએ. એ વિશે નિર્ણય લેતી વખતે આપણે “સમજદારી” રાખવી જોઈએ અને બીજાઓનો વિચાર કરવો જોઈએ. આપણે ‘મર્યાદામાં’ રહીને ઈશ્વરભક્તોને ‘શોભે’ એવાં કપડાં પહેરવાં જોઈએ. (૧ તિમો. ૨:૯, ૧૦) એટલે આપણે એવાં કપડાં નહિ પહેરીએ, જેનાથી લોકોનું ધ્યાન આપણા તરફ ખેંચાય. બાઇબલ સિદ્ધાંતો વડીલોને પણ મદદ કરશે કે તેઓ કપડાં કે હેર-સ્ટાઇલ વિશે પોતાના નિયમો ન બનાવે. w૨૩.૦૭ ૨૩ ¶૧૩-૧૪
શનિવાર, નવેમ્બર ૧૫
“મારું ધ્યાનથી સાંભળો, જે સારું છે એ ખાઓ અને તમે ઉત્તમ ભોજનની મજા માણશો.”—યશા. ૫૫:૨.
યહોવા આપણને સમજાવે છે કે જો ખુશહાલ ભાવિ જોઈતું હોય, તો શું કરવું જોઈએ. જેઓ બોલકણી અને ‘મૂર્ખ સ્ત્રીનું’ આમંત્રણ સ્વીકારે છે, તેઓ સંતાઈને વ્યભિચારની ‘મીઠી’ મજા લેવા માંગે છે. તેઓને એ વાતનો અહેસાસ નથી કે તેઓનું ભાવિ “કબરના ઊંડાણમાં” છે. (નીતિ. ૯:૧૩, ૧૭, ૧૮) પણ જેઓ ‘સાચી બુદ્ધિને’ રજૂ કરતી સ્ત્રીનું આમંત્રણ સ્વીકારે છે, તેઓનું ભાવિ ખૂબ જ સારું હશે. (નીતિ. ૯:૧) આપણે શીખીએ છીએ કે યહોવા જેને પ્રેમ કરે છે એને પ્રેમ કરીએ અને તે જેને ધિક્કારે છે એને ધિક્કારીએ. (ગીત. ૯૭:૧૦) આપણને એ વાતની ખુશી છે કે આપણે બીજાઓને ‘સાચી બુદ્ધિનો’ પોકાર સાંભળવાનું આમંત્રણ આપી શકીએ છીએ. આપણે જાણે એ સેવકો જેવા છીએ, જેઓ ‘શહેરની ઊંચી જગ્યાઓ પરથી જાહેર કરે છે: “ઓ અણસમજુ લોકો, અહીં અંદર આવો.”’ એવું નથી કે આપણને અને એ આમંત્રણ સ્વીકારનાર લોકોને ફક્ત આજે જ ફાયદો થાય છે. એ ફાયદાઓ કાયમ માટેના છે. જો “સમજણના માર્ગે આગળ વધતા” રહીશું, તો હંમેશ માટે “જીવતા” રહી શકીશું.—નીતિ. ૯:૩, ૪, ૬. w૨૩.૦૬ ૨૪ ¶૧૭-૧૮
રવિવાર, નવેમ્બર ૧૬
“શૂરવીર યોદ્ધા કરતાં શાંત મિજાજનો માણસ વધારે સારો અને શહેર જીતનાર કરતાં ગુસ્સો કાબૂમાં રાખનાર વધારે સારો.”—નીતિ. ૧૬:૩૨.
જો તમારી સાથે ભણનાર કે કામ કરનાર વ્યક્તિ તમારી માન્યતા વિશે સવાલ પૂછે, તો તમને કેવું લાગે છે? શું તમારી જીભે લોચા વળે છે? ઘણાને એવું થાય છે. પણ એવા સવાલથી કદાચ એ સમજવા મદદ મળે કે સામેવાળી વ્યક્તિ શું વિચારે છે અને શું માને છે. આમ, આપણને સાક્ષી આપવાનો મોકો મળે. પણ ઘણી વાર એવું બને છે કે વ્યક્તિ આપણી માન્યતાઓ સાથે સહમત ન હોય અથવા જીભાજોડી કરવા માંગતી હોય, એટલે સવાલ પૂછે. એમ કરવાનું કારણ એ છે કે તેણે મોટા ભાગે આપણી માન્યતાઓ વિશે ખોટી માહિતી સાંભળી હોય છે. (પ્રે.કા. ૨૮:૨૨) એ ઉપરાંત આપણે “છેલ્લા દિવસોમાં” જીવી રહ્યા છીએ, જેમાં ઘણા લોકો “જિદ્દી” અને “ક્રૂર” છે. (૨ તિમો. ૩:૧, ૩) તમને કદાચ થાય, ‘કોઈ વ્યક્તિ મારી માન્યતા વિશે દલીલ કરવા માંગતી હોય ત્યારે, હું કઈ રીતે શાંત રહી શકું અને સમજી-વિચારીને જવાબ આપી શકું?’ તમને શાનાથી મદદ મળશે? કોમળતાના ગુણથી. કોમળ સ્વભાવની વ્યક્તિ જલદી ખોટું લગાડતી નથી. જ્યારે તેને કોઈ ગુસ્સો અપાવે અથવા શું જવાબ આપવો એની ખબર ન પડે, ત્યારે તે પોતાના પર કાબૂ રાખે છે. w૨૩.૦૯ ૧૪ ¶૧-૨